હું વત્સલ મહેન્દ્ર રાય રાણા……
૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯..ની સવારે પોસ્ટ ઓફિસમાં ફોન આવે છે..દાદા મૂળશંકર રાણા પર..તેમના અનુજ પુત્ર મહેન્દ્ર ને ત્યાં પુત્ર નું આગમન થયું છે..તેઓ પડોશી સુરેન્દ્ર ને સાયકલ પર રેલવે સ્ટેશન મોકલે છે પુત્ર મહેન્દ્ર ને વધામણી આપવા..”My son Mahendra blessed with a son!”
આ જૂનામાં જૂની વાત જેથી હું વિદિત થયો..મારાં જન્મ વિષે.
નાનપણમાં વડીલ શ્રી ઉમેશભાઈ છાયા સાહેબે પંચતંત્ર વાંચવા આપ્યું ત્યારથી વાચન શોખનો પાયો પડ્યો..
સ્કૂલ માં નિબંધ લેખનમાં સારા માર્ક્સ મળતા..દર વખતે હું મોટો થઇ ને શું બનીશ એ પ્રકારનું પૂછાયું પણ ક્યારે ય મેં એ વિશે ન લખ્યું...પ્રૃક્રૃતિ વર્ણન જ લખ્યાં..
મારાં સ્વભાવ માં ભવિષ્ય અંગે કોઈ કલ્પના ન હતી..આજે પણ નથી પણ શું થવાનું છે એની કૂતુહલ પૂર્વક બનતું જોવું અને એ થવા પછી માણવું એ વલણ કુદરતી જ રહ્યું છે…
સંઘર્ષ અને આપત્તિજનક બનાવો બન્યા છે પણ મેં એમનો સ્વસ્થતા પૂર્વક સામનો કર્યો છે અને પાર ઉતર્યો છું..
વાંચન માં મને નવલકથા વાંચવાનું ઓછું ગમે… માંડ પચાસેક નવલકથાઓ વાંચી હશે.. લલિત નિબંધો રસ પડે..પણ વધુમાં વધુ રસ આધ્યાત્મિક વાંચનનો… શક્રાદય કે મહિમ્ન નો અર્થ જાણવામાં વધુ આનંદ મળે..અન્ય સંસ્કૃત સાહિત્ય નું પણ એવું…પ્રખર સંસ્કૃત વિદ્વાન ડો.જયાનંદ દવે નાં પુસ્તકો રસપૂર્વક વાંચવાનું બન્યું..
મિત્ર પુષ્પેન્દ્ર નાણાવટીએ ઓશોનો પરિચય કરાવીને ખજાનાની ચાવી જ આપી દીધી!
કુમળી વયથી જ કવિતા માં રસ ધરાવતો.. ક્યારેક લખતો પણ ખરો..પછી જતે દિવસે સમજાયું કે હું જે લખું છું તે સારાં કાવ્યો વાંચું છું એનો પ્રતિધ્વનિ છે એટલે અને છંદ નું ઊંડાણ ન પકડી શકાયા થી માત્ર અભિવ્યક્તિ માટે અને નિજાનંદ માટે લખું છું.
જે સ્મરણ મન હ્રદય માં કોતરાઈ ગૈ હોય તે લખતાં મને આનંદ મળે છે એટલે લખું છું અને સોશ્યલ મીડિયા પર પ્રગટ કરું છું જેનો સરસ પ્રતિભાવ મળ્યો છે..
પંચોતેર પાર કરતાં કુટુંબ,સમાજ અને સ્વ પ્રત્યે મને સંપૂર્ણ સંતોષ ની લાગણી છે..અને પ્રભુએ મને દરેક રીતે મારી લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે તો હવે અપેક્ષા તો શું હોય..
વત્સલ રાણા