સૌના પોતાના એવા જીતુભાઈ ની વિદાય હ્રદયમાં ગ્લાનિ પ્રસરાવી ગઇ..એ સમયે મન ભૂતકાળમાં સરી પડ્યું…
હું જ્યારે આઠેક વર્ષ નો હોઇશ ત્યારે એક પૂર્ણ કદના, ભીને વાન,એકવડીયા બાંધાના,પંચીયુ ને ઝબ્બા ધારી, માથાં પર કાળી ટોપી વાળા અને આંખે પ્લસ નંબર નાં ચશ્માંધારી એવી વ્યક્તિને ઘેર આવતા ભાળું છું.. હાથમાં થેલી અને એક બે અઢી વર્ષ નાં છોકરા ને તેડેલો છે..
એ વ્યક્તિ એટલે મુ.જીતુભાઇના પિતાશ્રી નવરંગ લાલભાઇ વોરા અને એ છોકરો એટલે અનિમેષ…કદાચ કોઇના શ્રાદ્ધ ના ઉપક્રમે આવ્યા હશે..

મુ.જીતુભાઇનો પરિચય મારાં લગ્ન સમયે થયેલો..જાન સાથે જામનગર આવી શકે એમ ન હતાં પણ મંડપારોપણ માટે અંજાર આવેલા..પછી જતા હતા ત્યારે દક્ષિણા આપવાની બાકી રહી ગયેલી તે હું ઊભો થયો તો કહે કે મારાં ખાતામાં M.T.કરી દેજો ને નિરાંતે!..કેટલાક સરળ અને સહજ!!
મારા પિતાજી ના શ્રાદ્ધમાં એમણે હંમેશાં મને priority આપી છે કારણ કે છઠ્ઠના તો ઘણાં શ્રાધ્ધ હોય…
દર શારદીય નવરાત્રિ નાં પાંચમે નોરતે એમના દ્વારા ચંડીપાઠ નું આયોજન હું મારાં નિવાસસ્થાને કરતો.. જેમાં તેઓ જરુર પધારતા.. પછી એમને ચોળેલી તમાકુ ની ચપટી નો પ્રસાદ પણ મળતો!
અવારનવાર કોઇના જન્મદિવસ નિમિત્તે રુદ્રી પણ અમારા વતી હાટકેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં કરતા અને નમોણ પણ ઘરે પહોંચતું કરતા..
મારાં માતુશ્રી ના વરસી પ્રસંગે એમણે કરાવેલી શાસ્ત્રોક્ત વિધિથી મારે ઘેર આવેલા મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા..
મારી દિકરી ના લગ્ન પ્રસંગે દોડાદોડી કરીને પણ માંડવીથી સીધા સમય પહેલાં જ આવી ગયા હતા..અને સમય પ્રમાણે એકદમ વહેવારુ અભિગમ અપનાવ્યો હતો એમણે જે આપણા સૌ માટે આશીર્વાદરૂપ હતો..
આપણે બધા મૂળભૂત રીતે સ્વાર્થી એટલે આપણને એમના ગયાનું દુઃખ થાય..પણ હાટકેશ્વર મહાદેવ અને આદ્યશક્તિ મા અંબા એ એમને પોતાનાં પડખામાં લઇ જ લીધા હશે.. માત્ર એમની આજીવન શુધ્ધ ભક્તિ થી જ નહીં પણ એમણે નીતિમય અને પ્રેમ પૂર્વક જીવન જીવી બતાવ્યું એ કારણે પણ..
મુ.વ.જીતુભાઇ,તમે મારાં અને સૌ હાટકેશ જનોના સ્મરણે આદરપૂર્વક કાયમ રહેશો…
– વત્સલ રાણા